નવી દિલ્હીઃ ભાજપ સંકટના આ સમયમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે ભાજપ તરફથી ‘મોદી કિટ’ નામથી ગરીબ લોકો સુધી સામાન પહોંચાડવામાં આવશે.  ગરીબ લોકોને લોકડાઉન દરમિયાન આપનારી આ કિટમાં લોટ, ચોખા, દાળ, બિસ્કિટ, તેલ અને સાબુ જેવી જરૂરી સામાન હશે. આ બાબતે ભાજપ હાઇ કમાન્ડે  તમામ પ્રદેશ એકમોને કહ્યું છે કે આ પ્રકારની કિટ બનાવીને તમામ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે.



આ અગાઉ ભાજપે ગુરુવારે જ મહાભોજ અભિયાન શરૂ કર્યું હતું જે હેઠળ ભાજપ તરફથી પાર્ટીના એક કરોડ કાર્યકર્તાઓને પાંચ જરૂરિયાતમંદ લોકોને દરરોજ ભોજન કરવાનું કહેવામાં આવ્યું હતું. પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા દરરોજ દેશભરમાં ચલાવવામાં આવી રહેલા પાર્ટીના અભિયાનની વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમીક્ષા કરે છે.



આ અગાઉ કેન્દ્રની સરકારે ગુરુવારે જ ગરીબો માટે એક લાખ 70 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યુ હતું કે આ પેકેજની મદદથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લોકડાઉનથી પ્રભાવિત ગરીબ લોકોને મદદ કરવામાં આવશે.