નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલા બ્રાઝીલે હનુમાન જયંતિ પર આ મહામારી માટે ગેમચેન્જર સાબિત થયેલી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનને ‘સંજીવની’ ગણાવી હતી. બ્રાઝીલે મલેરિયા વિરોધી દવાની સપ્લાય માટે ભારતના વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાય માટે વડાપ્રધાન મોદીને  મહાન નેતા ગણાવ્યા હતા.


બ્રાઝીલના રાષ્ટ્રપતિએ કહ્યું કે જે રીતે હનુમાનજીએ સંજીવની બૂટી લાવીને ભગવાન રામના ભાઇ લક્ષ્મણનો જીવ બચાવ્યો હતો એ જ રીતે ભારત તરફથી આપવામાં આવેલી આ દવાથી લોકોનો જીવ બચશે. તેમણે કહ્યું કે, ભારત અને બ્રાઝીલ સાથે મળીને આ મહાસંકટનો સામનો કરવામાં સક્ષમ હશે. કોરોનાની સારવારમાં કારગર ગણવામાં આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની અમેરિકા સહિત દુનિયાભરમાં માંગ છે.

વાસ્તવમાં વૈશ્વિક મહામારી બની ચૂકેલો કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. અમેરિકા, ઇટાલી, સ્પેન જેવા દેશોમાં આ વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પાસે કોરોના સામે લડવામાં કારગર સાબિત થયેલી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન માંગી છે. ભારતે કેટલીક શરતો સાથે દવાના નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.

દુનિયાભરમાં વધી રહેલી માંગ વચ્ચે ભારતે કહ્યું કે, તે માનવતાના આધાર પર દવાની નિકાસ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે, કોઇ પણ સરકારની ફરજ હોય છે કે તે પ્રથમ સુનિશ્વિત કરે કે તેમના લોકો પાસે દવા કે સારવારના જરૂરી સંસાધનો છે કે નહીં. તેને ધ્યાનમાં રાખીને કેટલીક દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવાયો હતો. ભારતે સોમવારે 14 દવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.