નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. દુનિયામાં સૌથી ઝડપથી સંક્રમણ ભારતમાં ફેલાઈ રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 86,432 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,089 લોકોના મોત થા છે. દેશમાં હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 40 લાખને પાર પહોંચી છે.


દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 40 લાખ 23 હજાર થઈ ગઈ છે. જેમાંથી 69,561 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ 46 હજાર થઈ છે અને 31 લાખ 7 હજાર લોકો સ્વસ્થ થયા છે. સંક્રમણના સક્રિય કેસની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા આશરે ત્રણ ગણી વધારે છે.

ICMR મુજબ, કોરોના વાયરસના 54 ટકા કેસ 18 વર્ષથી 44 વર્ષની ઉંમરના લોકોના છે પરંતુ કોરોના વાયરસથી થતા 51 ટકા મોત 60 વર્ષ અને તેમના વધારે ઉંમરના લોકોમાં થયા છે. 4 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 4 કરોડ 77 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 11 લાખ સેમ્પલ ટેસ્ટ કાલે કરવામાં આવ્યા હતા. પોઝિટિવ રેટ 7 ટકા ઓછો છે.

કુલ સ્વસ્થ થયેલા દર્દીઓમાં 30 ટકા બે રાજ્યો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં છે. દેશના જે 10 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશમાં કોવિડ 19 સ્વસ્થ થવાનો દર વધારે છે, તેમાં દિલ્હી 89 ટકા, બિહાર 88 ટકા, તમિલાનાડુ 86 ટકા, પશ્ચિમ બંગાળ 83 ટકા, રાજસ્થાન 82 ટકા અને ગુજરાત 81 ટકા સામેલ છે.

રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.73 ટકા થયો છે. એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તેનો દર પણ ઘટીને 21 ટકા થયો છે. રિકવરી રેટ 77 ટકા થયો છે.