હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીને કારણે દેશના અર્થતંત્રને થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તમામ વિભાગોમાં નવી ભરતી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.


નાણા મંત્રાલય ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશ પ્રમાણે, આ પ્રતિબંધ તમામ મંત્રાલયો, વિભાગો, તેની સાથે જોડાયેલા કાર્યાલયો, બંધારણીય સંસૃથાઓ અને સ્વાયત્ત સંસ્થાઓનો સમાવેશ થાય છે. નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ પ્રતિબંધ હેઠળ એવી તમામ સંસ્થાઓ આવશે જેમની પાસે ખાલી જગ્યા ભરવાની સત્તા છે.

જો કોઈ સંસ્થાએ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગની મંજૂરી વગર ચાલુ વર્ષે એક જુલાઈ બાદ કોઈ પદ પર ભરતીની જાહેરાત કરી છે અને તેને અત્યાર સુધી ભરવામાં નથી આવી તો હવે તે પદને ભરી શકાશે નહીં. જો ખાલી જગ્યા ભરનાર વિભાગ એમ માને છે કે, તે પદને ભરવા ખૂબ જ જરૂરી છે તો તેને નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગની મંજૂરી લેવી પડશે.

ઉલ્લેખનીય છે કે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે બીજા અન્ય ખર્ચાઓ ઉપર પર કાપ મૂકવાની જાહેરાત કરી છે. કોઇ પણ સૃથાપના દિવસની ઉજવણી પાછળ થતાં ખર્ચને હવે મંજૂરી આપવામાં આવશે નહીં.