Coronavirus India Live Update: ભારતમાં ફરી ડરાવા લાગ્યો કોરોના, જાણો ક્યા રાજ્યમાં કેવી છે સ્થિતિ

Coronavirus India Update: હોળી બાદ કોવિડના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. દેશમાં કોરોનાના કેસ વધવાને કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બેઠક યોજી હતી.

gujarati.abplive.com Last Updated: 08 Apr 2023 03:30 PM
દેશમાં 24 કલાકમાં કોરોનાના 6,155 કેસ

ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે દેશમાં કોરોના વાયરસના 6,155 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 11 લોકો મૃત્યુ પામ્યા હતા. તો બીજી તરફ 3,253 લોકો સાજા થતા તેમને હો્સ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.. ત્રણ દિવસ બાદ નવા કેસમાં સ્થિરતા જોવા મળી રહી છે. ગુરુવારે 6050 નવા કેસ નોંધાયા હતા, તેની સરખામણીમાં શુક્રવારે તેમાં બહુ ફેરફાર થયો નથી. હાલ દેશમાં 31 હજાર 194 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે, પોઝિડિવિટી દર 5.63% પર પહોંચી ગયો છે.

કોરોનાની નવી લહેરની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન

બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશમાં કોરોનાના કેસોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ માટે તેમણે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કોવિડ પરીક્ષણ અને જીનોમ સિક્વન્સિંગની સાથે સાથે, કોવિડ નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજે દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ હતી.


આપણે સાવચેત રહેવું જોઈએ


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે આપણે સતર્ક રહેવું પડશે અને બિનજરૂરી ભય ફેલાવવો નહીં. તેમણે તમામ આરોગ્ય મંત્રીઓને કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના રાજ્યોમાં આરોગ્ય સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા બેઠક યોજવા વિનંતી કરી હતી. આ દરમિયાન તેમણે સમગ્ર દેશમાં કોવિડને લઈને 10 અને 11 એપ્રિલના રોજ મોકડ્રીલ કરવાની વાત કરી હતી. આ સાથે તમામ આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત

Gujarat Corona Case Update: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે ફરી 300થી વધુ કેસ સામે આવ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 93 કેસ નોંધાયા છે. તો બીજી તરફ સુરતમાં 31, મહેસાણામાં 26, વડોદરામાં 25  અને મોરબીમાં 23 કેસ નોંધાયા છે.  આમ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 2155 પાર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ 12 લોકો વેન્ટિલેટર પર છે.

ઉત્તર પ્રદેશમાં 200 થી વધુ કેસ

શુક્રવારે (7 એપ્રિલ) ઉત્તર પ્રદેશમાં 200 થી વધુ કોરોના કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડના 232 કેસ સામે આવ્યા છે. આ સાથે યુપીમાં સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા વધીને 991 થઈ ગઈ છે. તેમાંથી 52 કેસ રાજ્યની રાજધાની લખનૌમાં મળી આવ્યા છે.

હિમાચલ પ્રદેશમાં નવા 108 કેસ

શુક્રવારે, હિમાચલ પ્રદેશમાં કોવિડના 108 નવા કેસ નોંધાયા હતા જ્યારે એકનું ચેપને કારણે મોત થયું હતું. સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા 1933 છે. મંડી જિલ્લામાં એક 19 વર્ષની  યુવતીનું  વાયરસથી મૃત્યુ થયું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃત્યુઆંક 4,198 પર પહોંચ્યો છે.

દિલ્હીમાં નવા કેસ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 733 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા સાત મહિનામાં સૌથી વધુ છે. હવે પોઝિટિવિટી રેટ 19.93 ટકા થઈ ગયો છે. આ દરમિયાન બે દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે (6 એપ્રિલ) અહીં કોવિડ-19ના 606 નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં દરરોજ લગભગ 100 કેસ વધી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો

શુક્રવારે (7 એપ્રિલ) મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 926 કેસ નોંધાયા હતા જ્યારે ત્રણ લોકોના  કારણે મોત થયા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે, નવા દર્દીઓ બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 81,48,599 થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 1,48,457 થઈ ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈમાં 24 કલાક દરમિયાન કોવિડ-19ના 276 દર્દીઓ મળી આવ્યા હતા. આ સંખ્યા એક દિવસ પહેલા નોંધાયેલા દર્દીઓ કરતા 27 ટકા વધુ છે, ચેપથી મૃત્યુ પામેલા ત્રણ દર્દીઓ ગોંદિયા, કોલ્હાપુર અને રાયગઢના રહેવાસી હતા. રાજ્યના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, ચેપમાંથી સાજા થવાનો દર 98.12 ટકા અને મૃત્યુ દર 1.82 ટકા છે.

બ્રેકગ્રાઉન્ડ

Coronavirus India Update: હોળી બાદ કોવિડના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. દેશમાં કોરોનાના કેસ વધવાને કારણે કેન્દ્રીય સ્વાસ્થ્યા મંત્રી મનસુખ માંડવીયાએ બેઠક યોજી હતી. તેમણે કોરોનાને હળવાશથી ન લેવા સુચના આપી છે. તો બીજી તરફ હવે સિક્કિમ સરકારે ગુરુવારે એક એડવાઈઝરી જારી કરીને રાજ્યના લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું કહ્યું છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.