નવી દિલ્હીઃ કોરોનાથી મોત થનારા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયાનું વળતર આપવા માટે કેન્દ્ર સરકારે અસમર્થતા વ્યક્ત કરીછે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંધનામામાં કેન્દ્રએ જણાવ્યું કે, આ પ્રકારની ચૂકવણીથી રાજ્યો પાસે ઉપલબ્ધ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી થાય છે. જો રાજ્યોને દરેક મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપવામાં આવે તો તેમનું ફંડ ખતમ થઈ જશે. ઉપરાંત પૂર, વાવાઝોડું જેવી આફતો સામે લડવું મુશ્કેલ બનશે.
કેન્દ્રએ કહ્યું ચાલુ વર્ષે રાજ્યોને 22,184 કરોડ રૂપિયા એસડીઆરએફમાં આપવામાં આવ્યા છે. જેનો એક મોટો હિસ્સો કોરોનાથી લડવામાં ખર્ચ થઈ રહ્યો છે. કેન્દ્રએ 1.75 લાખ કરોડનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યુ છે. જેમાંથી ગરીબોને ફ્રી રાશન ઉપરાંત વૃદ્ધ, દિવ્યાંગ, અસમર્થ મહિલાઓના ખાતામાં સીધા પૈસા જમા કરાવવા, 22.12 લાખ ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સને 50 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવર આપવું જેવી વાતો સામેલ છે. હાલ કેન્દ્ર અને રાજ્યોને ખૂબ ઓછી રેવન્યૂ મળી રહી છે. આમ કરવાથી 3 લાખ 85 હજારથી વધુ લોકોના મોત બદલ 4-4 લાખ રૂપિયાની ચુકવણી કરવી આર્થિક રીતે ખૂબ મુશ્કેલ છે. રાજ્યોને ફરજ પાડવામાં આવે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા કાર્યો પ્રભાવિત થશે.
દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009
- કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243
- કુલ મોત - 3 લાખ 86 હજાર 713
દેશમાં સતત 38માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 19 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 66 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.
કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાં વિશ્વમાં બીજા ક્રમે
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.27 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગાય છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.