મુંબઈ: દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા પંજાબ બાદ મહારાષ્ટ્રમાં પણ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકો સાંભળતા ન હોવાથી હું મજબૂર છું અને પૂરા રાજ્યમાં કરફ્યુની જાહેરાત કરું છું. રાજ્યની સીમાઓ પણ બંધ કરવામાં આવી છે અને આજથી રાજ્યના બધા જિલ્લાઓની બોર્ડર પણ સીલ કરવામાં આવી છે. હવે એક જિલ્લાના લોકો પણ બીજા જિલ્લામાં આવ-જા નહીં કરી શકે. જોકે આ સમય દરમ્યાન જરૂરી જીવનાવશ્યક ચીજવસ્તુઓ મળતી રહેશે. લોકોએ ગભરાવાની જરૂર નથી.



મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 15 નવા કેસ સામે આવ્યા છે. જેમાં મુંબઈમાં જ 14 કેસ અને 1 કેસ પુણેમાં સામે આવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં આ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 89 પર પહોંચી છે.



મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે રવિવાર રાતથી જ 144 કલમ લાગુ કરી છે. આ કલમ હેઠળ સમગ્ર રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં પાંચ કે તેથી વધારે લોકો ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ આ નિયમ તોડશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

દેશમાં કોરોના વાઇરસગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 478 પર પહોંચી છે. સરકાર દ્વારા સાવચેતીના રૂપે દેશનાં 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન કર્યું છે.