નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકડાઉનનો ભંગ કરનારા લોકો સામે શું પગલાં લેવામાં આવશે તેને લઈ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ, લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં લોકોને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અથવા 6 મહિનાની જેલ પણ થઈ શકે છે. કેન્દ્ર સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા પર કાનૂની કાર્યવાહી કરાશે. રાજ્યોને લોકડાઉનનું પાલન કરાવવા કડક સૂચના આપવામાં આવી છે.


આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ લોકડાઉન દરમિયાન લોકો બહાર નીકળી રહ્યા છે તેને લઈ નારાજગી વ્યક્ત કરી છે. મોદીએ લખ્યું, લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા પરંતુ સરકારો તેનું પાલન કરાવે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને લખ્યું, લોકડાઉને હજુ પણ ઘણા લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. મહેરબાની કરીને તેનાથી તમે બચો. તમારા પરિવારને બચાવો. આદેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી વિનંતી છે કે નિયમો અને કાનૂનોનું પાલન કરો.

કોરોના વાયરસના આંતકને રોકવા માટે દેશના 20 જેટલા રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં હાલ 25 માર્ચ સુધી 16 શહેરોમાં તાળાબંધીની જાહેરાત કરવામાં આવી ચે. જેનો હેતુ લોકો ભીડભાડવાળી જગ્યાએ જવાથી બચે અને કોરોના વાયરસ દેશમાં સ્ટેજ-3માં પ્રવેશ ન કરી શકે તેવો છે.