નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને દેશમાં ડરનો માહોલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીના 18 લાખ પરિવારો, વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમણે  દિલ્હીમાં મળનાર રાશન વધારી દીધું અને તેને કોરોનાની અસરના કારણે મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે.
કેજરીવાલે દિલ્હીના લગભગ 70 લાખ લોકોને મળતા રાશનમાં વધારો કર્યો છે. તે સિવાય દિલ્હીના વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગોને મળનારી પેન્શન રકમ પણ બેગણી કરવાની જાહેરાત કરી છે. કેજરીવાલે વૃદ્ધોને થોડા દિવસો સુધી પાર્કમાં ન જવાની અપીલ કરી છે.



કેજરીવાલે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી હાલમાં બંધ જેવી સ્થિતિ નથી પરંતુ જરૂર પડી તો તેની જાહેરાત કરાશે. સાથે રવિવારે જનતા કર્ફ્યૂને લઇને લોકોને એક સાથે પાંચથી વધુ એકઠા ન થવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, જો જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો. જનતા કર્ફ્યૂ દરમિયાન દિલ્હીના રસ્તા પર 50 ટકા બસો ચાલશે નહીં.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાયા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે. દિલ્હીમાં 25 કેસ પોઝિટિવ છે.