નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી વધુ 63 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી અહીં 3067 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ, દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાયરસના 2244 નવા કેસ સામે આવ્યા છે. નવા 2244 કેસ સામે આવતા પોઝિટિવ કેસની સંખ્યા વધીને 99444 પર પહોંચી છે. કુલ પોઝિટિવ કેસમાંથી 25038 એક્ટિવસ કેસ છે અને 71339 લોકો સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


દિલ્હી સરકારના આંકડા મુજબ શનિવારે 9873 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા અને 13263 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દિલ્હીમાં 6,43,504 ટેસ્ટ કરવામાં આવ્યા છે. પ્રતિ દસ લાખની આબાદી પર દિલ્હીમાં ટેસ્ટની સંખ્યા 33868 છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોવિડ-19ના એવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે અને મોટાભાગના લોકો ઘર પર રહીને જ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે કહ્યું હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને હાલમાં 9,900 કોવિડ બેડ ખાલી છે.

સીએમ કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું, દિલ્હીમાં હવે ઓછામાં ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી રહી છે, મોટાભાગના લોકો ઘર પર જ સ્વસ્થ થઈ રહ્યા છે.