ગાજિયાબાદ: ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મોદી નગરમાં મોટી દુર્ઘટના બની છે. મોદી નગરના બખરવા ગામમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. જેમાં સાત લોકોના મોત થયા છે, અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. ફેક્ટરીમાં મીણબતી બનાવવાનું કામ કરવામાં આવતું હતું.

ગાજિયાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અજય શંકર પાંડેએ મીડિયાને આ ઘટના વિશે જાણકારી આપી છે. જ્યારે, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકને ઘટનાસ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે આદેશ આપ્યા છે.

મુખ્યમંત્રી કાર્યલય તરફથી જણાવવામાં આવ્યું કે મુખ્યમંત્રી યોગીએ આ ઘટના બાદ ઘટનાસ્થળની તપાસ કરી આજે સાંજે સુધીમાં રિર્પોટ રજૂ કરવા કહ્યું છે. કાર્યાલયે ટ્વિટ કર્યું કે, મુખ્યમંત્રી યોગીએ ઘટનામાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં છ મહિલાઓ અને એક બાળક સામેલ છે. જ્યારે ફેક્ટરીમાં આગ લાગી ત્યારે આ લોકો અંદર કામ કરી રહ્યા હતા પરંતુ આગ લાગવાના કારણે બહાર ન નિકળી શક્યા અને ઘટનાસ્થળ પર જ મોત થયા છે.