નવી દિલ્હીઃ તેલંગણા અને મહારાષ્ટ્ર સરકાર સરકારી કર્મચારીઓન પગારમાં કાપ મુકી રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડી સરકારે કોરોના વાયરસ અને દેશમાં લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓનો પગાર રોકવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે પ્રાઇવેટ સેક્ટરને અપીલ કરી છે કે કોરોનાના કારણે કર્મચારીઓનો પગાર કાપવામાં  ના આવે.



મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ કહ્યું કે, જે સરકારી કર્મચારીઓનો પગાર રોકવામાં આવ્યો છે તેમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, એમએલસી, નિગમના સભ્યો, સ્થાનિક નિગમોના પ્રતિનિધિઓનો પગાર સામેલ છે.

આ અગાઉ મહારાષ્ટ્ર સરકારે કોરોના સંકટને કારણે મુખ્યમંત્રીથી લઇને સી ગ્રેડના કર્મચારીઓ સુધી માર્ચ મહિનાના પગારમાં કાપ મુક્યો છે. પગારમાં કાપ 25 ટકાથી લઇને 60 ટકા સુધી હશે. ડી ગ્રેડના કર્મચારીઓને પગાર કાપમાં રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી, ધારાસભ્યો અને એમએલસીના માર્ચ મહિનાના પગારમાં 60 ટકાનો કાપ મુકાયો છે. જ્યારે ગ્રેડ એ અને ગ્રેડ  બીના કર્મચારીનો 50 ટકા અને  ગ્રેડ સીના કર્મચારીઓના પગારમાં 25 ટકા કાપ મુકાયો છે. તેલંગણા સરકારે પણ રાજ્યના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ, કર્મચારીઓના પગારમાં 75 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય પેન્શન મેળવતા પૂર્વ કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં 50 ટકા કાપ મુકાયો છે.