નવી દિલ્હી: ચીનમાં હાહાકાર મચાવનાર કાતિલ કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા. જે બાદ રાજધાની દિલ્હી, હૈદરાબાદ, જયપુરમાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં કોરોના 34 શંકાસ્પદ કેસના સમાચાર સામે આવ્યા છે. આ તમામના સેમ્પલની તપાસ પૂણેમાં થઈ રહી છે.


દિલ્હીના એક હોટલમાં મંગળવારે ત્રણ ભારતીય અને 21 ઈટાલીયનને સુરક્ષાના કારણોસર ITBPના છાબલા કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે સાથે તેમના સેમ્પલ પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે. તેમના સેમ્પલની રિપોર્ટ આવ્યા બાદ આગળનું પગલું લેવામાં આવશે. હાલમાં તેમનામાંથી કોઈ પણ કોરોના વાયરસ સંક્રમણના લક્ષણ સામે આવ્યા નથી.
કોરોનાના નવા મામલા સામે આવ્યા બાદ હવે ભારતે કોરોના વાયરસને લઈ સતર્ક બની ગયું છે. કેન્દ્ર સરકારે 25થી વધારે દવાઓ અને ફોર્મુલેશંસના એક્સપોર્ટ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે. સરકારે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યુ છે.

ચીનમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા બાદ દવાઓમાં ઉપયોગમાં લેવાતા રો મટિરિયલની આયાતમાં ઘટાડો થયો છે. જેનાથી દવાનું પ્રોડક્શન અટકી ગયું છે. ભારતે સાવચેતીના ભાગરૂપે પેરાસિટામોલ, ટિનિડાઝોલ, મેટ્રોનિડાઝો, વિટામિન B1, B6, B12, પ્રોઝેસ્ટેરોન જેવી દવાની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. DGFT એ વર્તમાન એક્સપોર્ટ પોલિસીમાં બદલાવ માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

મંગળવારે ઉત્તરપ્રદેશના નોઈડા અને આગરામાં કોરોના વાયરસથી પ્રભાવિત કેટલાક કેસો સામે આવ્યા છે. એવામાં સાવચેતીના ભાગરૂપે નોઈડાની જાણીતી શિવ નાડર સ્કૂલ 9 માર્ચ સુધી અને શ્રીરામ મિલેનિયમ સ્કૂલ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

હાલ દેશભરમાં 21 એરપોર્ટ્સ, 12 મોટા પોર્ટ્સ અને 65 નાના પોર્ટ્સ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં એરપોર્ટ્સ પર 5,57,431 મુસાફરો અને તમામ નાના-મોટા પોર્ટ્સ પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.