મુંબઈઃ કોરોનાનો કહેર ઓછો થવાનું નામ જ નથી લઈ રહ્યો. દેશમાં અત્યાર સુધીમાં 511 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 10 લોકોના મોત થયા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર અને કેરળ છે.


મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યા 101 પર પહોંચી છે, જ્યારે કેરળમાં 95 કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, કોરોના વાયરસ સામેની લડાઈ મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગઈ છે. સમગ્ર રાજ્યમાં સંચારબંધી લાગુ કરવામાં આવશે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 15,000થી વધારે લોકો સંક્રમિત થયા છે, જ્યારે સાડા ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે.

ગુજરાતમાં મંગળવારે 4 નવા કેસ આવ્યા

ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસ વધતા જ જાય છે. આજે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરીષદમાં આપેલી માહિતી પ્રમાણે મંગળવારે કોરોના વાયરસના ચાર નવા કેસ નોંધાયા છે. જેમાંથી બે સુરત અને બે ગાંધીનગરમાં નોંધાયા છે. આમાંથી એક વ્યક્તિ સાઉદી અરેબીયાથી આવેલી છે. જ્યારે ત્રણ લોકોને સ્થાનિક સ્તરેથી ચેપ લાગ્યો છે. આમ, ગુજરાતમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 33એ પહોંચી છે.

રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 30 થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 6 કેસ નોંધાયા છે. અમદાવાદ અને વડોદરા પછી સુરત અને ગાંધીનગર આવે છે કે જ્યાં 4-4 કેસ નોંધાયા છે. રાજકોટ તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે. હવે નવી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં કુલ 6 કેસ, જ્યારે સુરતમાં પણ 6 કેસ થયા છે.