નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે લોકડાઉનમાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે વધારો કર્યો છે. દેશમાં બે સપ્તાહ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. હવે દેશમાં 17 મે સુધી લોકડાઉન રહેશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં થોડી છૂટ મળશે. રેડ ઝોનમાં કોઈપણ પ્રકારની કોઈ છૂટ નહી મળે.


ગ્રીન ઝોનમાં 50 ટકા બસો ચાલશે. આ સાથે જ ઘણી છૂટ આપવામાં આવશે. ઓરેન્જ ઝોનમાં જે ગતિવિધિઓની મંજૂરી આપવામાં આવી છે તેમાં ગાડી ચાલી શકશે પરંતુ તેમાં 1 ડ્રાઈવર સાથે 2 પેસેન્જર બેસી શકશે. ઓરેન્જ ઝોનમાં મોટરસાઈકલ પાછળ બેસવાની મંજૂરી હશે. એક સપ્તાહમાં સમીક્ષા કરવામાં આવશે. જે વિસ્તારમાં ઓછા કેસ હશે તેમાં વધુ છૂટ આપવામાં આવશે.

ટ્રેન અને ફ્લાઈટ નહી ચાલે તેની જાણકારી સરકારે આપી છે. મોલ, થિયેટર અને સ્કૂલ, કોલેજ પણ તમામ ઝોનમાં બંધ રહેશે. આ સાથે જ કોઈપણ ઝોનમાં સામાજિક સમારોહની મંજૂરી નથી આપવામાં આવી. ધાર્મિક સ્થળોને પણ ખોલવાની સરકારે મંજૂરી નથી આપી.

ઉલ્લેખનીય છે કે દેશમાં 130 રેડ ઝોન વાળા જિલ્લા છે. ઓરેન્જ ઝોનમાં 284 જિલ્લા છે અને ગ્રીન ઝોનમાં 319 જિલ્લા છે.