નવી દિલ્હી: કેંદ્રીય ગૃહ મંત્રાલયે લોકડાઉનના કારણે ફસાયેલા લોકોની અવર જવર માટે ટ્રેનના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. એક અધિકારીએ તેની જાણકારી આપી હતી. કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે છેલ્લા 38 દિવસથી ચાલી રહેલા લોકડાઉનના કારણે દેશભરમાં અલગ-અલગ જગ્યાએ લોકો ફસાયેલા છે. જેમાં વધુ પડતા શ્રમિકો અને વિદ્યાર્થીઓ છે.



ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું, ટ્રેનથી મજૂરો,તીર્થયાત્રિઓ અને વિદ્યાર્થીઓની અવર જવર માટે આદેશ આપવામાં આવ્યા છે. રેલવે બોર્ડ તેની વ્યવસ્થા કરશે. રાજ્યોએ રેલવે બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે.

આ પહેલા તેલંગણાથી ઝારખંડ સુધી એક ખાસ ટ્રેન ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં 1200 પ્રવાસીઓને રવાના કરવામાં આવ્યા હતા. આરપીએફના ડીજી અરૂણ કુમારે જણાવ્યું કે, 24 ડબ્બાની આ ટ્રેન શુક્રવારે સવારે ચાર વાગ્યેને 50 મિનિટ પર રવાના થઈ. તેમણે જણાવ્યું કે આ પ્રવાસીઓ માટે ચાલનારી પ્રથમ ટ્રેન છે.

ત્યારબાદ કેરલથી આશરે 1200 પ્રવાસી મજૂરોને લઈને અહી અલુવા રેલવે સ્ટેશનથી એક ખાસ ટ્રેન ઓરિસ્સાના ભુવનેશ્વર માટે શુક્રવારે સાંજે રવાના થશે. રાજ્યમંત્રી વીએસ સુનીલ કુમારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે લોકડાઉન લાગુ થયા બાદથી જ ઓરિસ્સાના પ્રવાસી મજૂરો અર્નાકુલમ જિલ્લાના રાહત કેમ્પમાં રોકાયા હતા.

ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે રાજ્યોની સરહદો પર ટ્રકને રોકવામાં ન આવે. હાલ પણ ઘણા રાજ્યોમાં આ સમસ્યાઓ સામે આવી રહી છે. ગૃહ મંત્રાલયે ફરી સ્પષ્ટ કર્યું કે ટ્રક અને માલવાહક વાહનોને કોઈ પાસની જરૂર નથી. પછી તે ભરેલા હોય કે ખાલી હોય.