નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મામલા રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 97,570 મામલા સામે આવ્યા છે. આ પહેલા 10 સપ્ટેમ્બરે 96,551 રેકોર્ડ કેસ નોંધાયા હતા. જ્યારે 24 કલાકમાં 1200થી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 46,59,985 પર પહોંચી છે. જેમાંથી 9,58,316 એક્ટિવ કેસ છે. જ્યારે 36,24,197 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના રેકોર્ડ 97,570 કેસ નોંધાયા છે. જ્યારે 1201 લોકોના મોત થયા છે.



આઈસીએમઆર મુજબ, 11 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 50 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કાલે કરવામાં આવ્યું હતુ. પોઝિટિવિટી રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા મામલા 18થી 44 વર્ષના લોકોના છે, પરંતુ મૃતકોમાં 51 ટકા 60 વર્ષથી વધારે ઉંમરના છે.

દેશમાં મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.66 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 ટકા થઈ છે. રિકવરી રેટ 78 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.