નવી દિલ્હી: દુનિયાભરના લોકો સામે હાલ કોરોના વાયરસનું સંકટ છે. ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં દર્દીઓની સંખ્યા વધીને એક હજારને પાર પહોંચી છે. આ ખતરનાક વાયરસના કારણે દેશમાં 26 લોકોના મોત થયા છે. સમગ્ર ભારતમાં કેરળ અને મહારાષ્ટ્ર બંને રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના દર્દીઓ સૌથી વધારે છે. દેશના 27 રાજ્યો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે.


આજે ગુજરાતમાં પણ એક કોરોના વાયરસના દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કોરોના વાયરસના કારણે કુલ 3ના મોત થયા છે. મૃતકની ઉંમર 45 વર્ષ હતી. ગુજરાતમાં હાલ 55 લોકો કોરોના પોઝિટિવ છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં રવિવારે ઉજ્જૈનની 17 વર્ષની એક કિશોરી સહિત પાંચ અન્ય દર્દીઓને કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટી થઈ છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 39 થઈ છે. જેમાંથી બે લોકોના પહેલા જ મોત થયા છે.

અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 6, ગુજરાતમાં પાંચ, કર્ણાટકમાં ત્રણ, મધ્યપ્રદેશમાં 2 અને તમિલનાડુ, બિહાર,પંજાબ,દિલ્હી,પશ્ચિમ બંગાળ,જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.