શનિવાર સાંજે દિલ્હીના આનંદ વિહાર આંતરરાજ્ય બસ સ્ટેશન પર વતન જવા માટે લોકોની મોટી ભીડ જમા થઈ ગઈ હતી જ્યાં કોઈ વ્યવસ્થા ન જોવા મળી. જોકે માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં પરંતુ દેશના બીજા પણ નાના મોટા શહેરોથી પણ લોકોનું પલાયન આ પ્રકારે જ ચાલી રહ્યું છે.
કેટલાક મજૂરોનું કહેવું છે કે, ખાવાનું મળી રહ્યું નથી, કામ નથી, મરી જઈશું અહીં. આ મજૂરોને કોરોનાથી સંક્રમિત થવાની કોઈ ચિંતા નથી. કોઈ બીજાને સંક્રમિત કરી દેશે તેનો અંદાજ પણ નહીં હોય. આમને ઘરે જવું છે અને એટલા માટે બસમાં ગમે તેમ ટકી જવાની ઉતાવળ છે.
આનંદ વિહાર બસ સ્ટેશન પર પણ મજૂરોનો એવો જ રેલો છે. ખીસ્સા ખાલી છે, પરિવારને પાલવાની ચિંતાએ ગતિ પકડી છે. જે મજૂર દિલ્હી શહેરને સુંદર બનાવવા માટે રાત-દિવસ મહેનત કરતા હતા, રંગકામ કરતા હતા, જે મિલોમાં કામ કરતા હતા તે બધા ચાલી નિકળ્યા છે, માથે સામાન, હાથમાં બાળકો લઇને.