રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, જનતા કર્ફ્યૂ સમયે કુલ 2400 પેસેન્જર ટ્રેન નહીં દોડે. જ્યારે 1300 મેલ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં રાખી રેલવે બિનજરૂરી યાત્રા અટકાવવા માટે અગાઉથી 245 યાત્રી ટ્રેન રદ્દ કરી ચુક્યું છે.
IRCTCએ કોરોના વાયરસને લઈ સાવચેતીના પગલે મેલ કે એક્સપ્રેસ ટ્રેનોમાં યાત્રા દરમિયાન ખાવા-પીવાની સુવિધા આગામી નોટિસ મળે ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપ્યો છે. ફૂટ પ્લાઝા, રેસ્ટરૂમ, જન આહાર કેન્દ્ર અને નાના રસોઈઘરો આગાની નોટિસ સુધી બંધ રાખવા આદેશ આપી દીધો છે.
દેશમાં કોરોના વાઈરસો વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ ગુરુવારે દેશને સંબોધન કરતા લોકોને અપીલ કરી હતી કે, રવિવારે (22 માર્ચ) સવારે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું પાલન કરે. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર નહીં નિકળે. સાંજે 5 વાગે પોતાના ઘરોમાં જ તાળી પાડી, થાળી વગાડી, ઘંટી વગાડી એકબીજાનો આભાર વ્યક્ત કરશે અને વાઈરસ સામે લડવામાં એકતા દર્શાવશે.
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 225 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે.