કેરળ: કોરોના વાયરસના કારણે અનેક રાજ્યમાં શાળા-કોલેજ સહિત મોલ-મલ્ટિપ્લેક્સ, સિનેમાઘરો અને માર્કેટો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેની વચ્ચે
કેરળ હાઈકોર્ટમાં એક શખ્સે દારુની હોમ ડિલિવરી માટેનો આદેશ આપવાની વિચિત્ર માંગ કરતી અરજી કરી હતી. અરજીકર્તાની માંગ પર કોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી અને તેની અરજી ફગાવી દીધી હતી, સાથે 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

જ્યોતિષ નામના એક શખ્સે હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે, “કોરોના વાયરસના કારણે બહાર નીકળવું મુશ્કીલ અને ખતરનાક છે. દારુની દુકાનો પર ભારે ભીડ હોય છે. જ્યારે હું દારુ લેવા દુકાન પર જાઉ છું, ત્યારે મને કોરોનાનો ખતરો હોઈ શકે છે. આ ખતરો અન્ય લોકોને પણ થઈ શકે છે. તેથી હાઈકોર્ટ રાજ્યના આબકારી વિભાગને આદેશ આપે કે તે દારુના ઓનલાઈન વેચાણ પર વિચાર કરે. આ રીતે દારુ સીધો લોકોના ઘરે ડિલિવરી થઈ જશે અને તેઓ બિમારીથી બચી શકશે.” ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી વધુ 12 પોઝિટિવ કેસ સામે આવ્યા રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 40 થઈ ગઈ છે.

આ અરજી પર જજ જયશંકરન નાંબિયારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “આ કેવા પ્રકારની અરજી છે ? ન્યાયપાલિકાની જવાબદારી છે કે તે લોકોના મૌલિક અધિકારોની રક્ષા કરે, પરંતુ આ પ્રકારની માંગ કોઈ કેવી રીતે કરી શકે ? આ સીધે સીધો ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ છે. અરજીકર્તાએ આ પ્રકારની અરજી કરીને મજાક કરી છે. ”

જજે પોતાના દેશમાં લખ્યું કે, એક ગંભીર બીમારીનો ખતરો હોવા છતાં જજ, કોર્ટ સ્ટાફ અને વકીલો કોર્ટમાં આવી રહ્યાં છે. જેથી લોકોને ન્યાય મળવામાં મુશ્કેલી ન નડે. શું આ પ્રકારની અરજી સાંભળવા માટે કોર્ટ ખુલ્લી રાખવામાં આવી છે ?

જસ્ટિસ નાંબિયારે ચુકાદામાં લખ્યું કે, “અરજી ન માત્ર ન્યાયના સિદ્ધાંતોનું ઉપહાસ કરનારી છે, પરંતુ તે હાઈકોર્ટ જેવી સંસ્થાની ગરિમાનું પણ મજાક બનાવી રહી છે. અરજીકર્તા પર 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આ રકમ મુખ્યમંત્રી આપત્તિ રાહત કોષમાં જવા કરવામાં આવે. ”