રાંચીઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ શિબુ સોરેનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની પત્ની રૂપી સોરેન પણ કોરોના સંક્રમિત મળી આવ્યાછે.  આ પહેલા શિબુ સોરેનના નિવાસ સ્થાન પર તૈનાત 17 સ્ટાફ અને સુરક્ષાગાર્ડ સંક્રમિત મળી આવ્યા હતા. શિબુ સોરેનનો દીકરો હેમંત સોરેન હાલ ઝારખંડનો મુખ્યમંત્રી છે.


સોરેન રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાને કેબિનેટ બેઠક દરમિયાન મળ્યા હતા. બન્ના ગુપ્તા કોરોના પોઝિટિવ આવ્યા બાદ સોરેન સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. બન્ના ગુપ્તા મિથિલેશ ઠાકુર બાદ કોરોના પોઝિટિવ થયેલા ઝારખંડના બીજા મંત્રી છે. અત્યાર સુધીમાં હેમંત સોરેનનો બે વખત કોરોના ટેસ્ટ થઈ ચુક્યો છે અને બંને વખત નેગેટિવ આવ્યો છે.

ઝારખંડમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તમામ ઉપાયો છતાં રાજ્યમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 28 હજારથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 9527 લોકોની સારવાર ચાલી રહી છે અને 18,372 લોકો ઠીક થઈ ગયા છે. રાજ્યમાં 297 લોકોના કોરોનાથી મોત થયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 69,878 કેસ નોંધાયા છે અને 945 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 29,75,702 પર પહોંચી છે. જેમાંથી 6,97,330 એક્ટિવ કેસ છે અને 22,22,578 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 55,794 પર પહોંચ્યો છે.