નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશલ સેલને એક મોટી સફળતા મળી છે. સ્પેશલ સેલે ધૌલા કુઆ પાસે અથડામણ બાદ મોડી રાતે એક ISIS ઓપરેટિવની ધરપકડ કરી છે. ઘણા રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ સ્પેશલ સેલે આતંકી અબૂ યૂસુફની ધરપકડ કરી છે. હવે પોલીસ આતંકીના અન્ય સાથીઓ અને તેની મદદ કરનારા લોકોને પકડવા માટે તપાસ કરી રહી છે.


ધરપકડ કરવામાં આવેલા આતંકી પાસેથી બે પ્રેશર કૂકર આઈઈડી અને હથિયાર જપ્ત થયા છે. આઈડીને ડિફ્યૂઝ કરવા માટે બોમ્બ સ્કોડ ટીમ સ્થળ પર પહોંચી છે.

ગુપ્તચર એજન્સીને હાલમાં જ આતંકીઓના દેશમાં ધૂસ્યા હોવાનું એલર્ટ મળ્યું હતું, એજ કારણે દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓ પહેલાથી જ એલર્ટ પર હતી. સ્પેશલ સેલને આતંકીઓને લોકેશનની જાણકારી મળી ગઈ હતી. તેમને ખબર હતી કે ધૌલા કુઆ અને કરોલ બાગ વચ્ચે રિઝ રોડ પર આવશે. બાદમાં પોલીસે તેને યોજનાબદ્ધ રીતે પકડવા માટે તૈયારી કરી હતી.

આતંકી રિઝ રોડ પર આવતા પોલીસે તેનો પીછો કરવાનું શરૂ કર્યું. પોલીસને જોતા આતંકીએ પહેલા ભાગવાની કોશિશ કરી. ભાગતા-ભાગતા આતંકી નજીકમાં એક ગાર્ડનની અંદર ધૂસી ગયો હતો. ત્યાં પોલીસે તેને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. ત્યારબાદ આતંકીએ પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. જવાબમાં પોલીસે પણ પાંચ રાઉન્ડથી વધારે ફાયરિંગ કર્યું. ઘણા રાઉન્ડ ફાયરિંગ બાદ પોલીસે તેને પોતાના કાબૂમાં કરી લીધો હતો.

જાણકારી મુજબ, દિલ્હીનો એક નામી વ્યક્તિ આતંકીઓના નિશાના પર હતો અને કોઈ મોટો વિસ્ફોટ કરવા માંગતા હતા. આ પહેલા તે ઘણી વખત રેકી કરી ચૂક્યો હતો. હાલ એ નામી શખ્સનું નામ નથી જાણી શકાયું. પોલીસ આતંકીની પૂછપરછ કરી રહી છે. તેના બે સાથીઓ ફરાર બતાવવામાં આવે છે. દેશમાં નાગરિકતા કાયદાને લઈને થયેલા વિરોધ પ્રદર્શનમાં પણ આ આતંકીનું કંઈક કનેક્શન બતાવવામાં આવી રહ્યું છ, હાલ તો સમગ્ર વિગત સામે નથી આવી.

દિલ્હી પોલીસનું માનવું છે કે જો ફરાર આતંકીને નહી પકડવામાં આવ તો ભવિષ્ય માટે ચિંતાનો વિષય થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસની છ અલગ-અલગ ટીમો અલગ-અલગ જગ્યાઓ પર તપાસ કરી રહી છે.