નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી ગઈ છે. આ દરમિયાન ડેલ્ટા વેરિયંટ બાદ જોવા મળેલા લેમ્બડા વેરિયંટે અનેક દેશોની ચિંતામાં વધારો કર્યો છે. જોકે ભારત માટે રાહતની વાત છે કે દેશમાં હજુ સુધી લેમ્બડા વેરિયંટનો એક પણ કેસ જોવા મળ્યો નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.




કોરોના વાયરસના ડેલ્ટા વેરિયંટે વિશ્વમાં ચિંતા વધારી છે ત્યાં હવે લેમ્બડા વેરિયંટને સૌથી વધારે ખતરનાક ગણવામાં આવી રહ્યો છે. મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વેરિયંટને ચિંતાજનક શ્રેણીમાં રાખ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 30થી વધારે દેશોમાં આ વેરિયંટના મામલા જોવા મળ્યા છે. મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ લેમ્બડા સ્ટ્રેનનો સૌથી પહેલો કેસ પેરુમાં મળ્યો હતો. જે વિશ્વનો સૌથી વધુ મૃત્યુદર ધરાવતો દેશ છે.


બ્રિટનમાં પણ લેમ્બડા વેરિયંટના કેટલાક કેસ સામે આવ્યા હતા. કેટલાક દેશોના અધિકારી આ વેરિયંટને વધારે સંક્રમક ગણાવી રહ્યા છે. અમેરિરાના સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ, પેરુમાં મે અને જૂન દરમિયાન કોરોના વાયરસના નોંધાયેલા મામલામાંથી 82 ટકા મામલા લેમ્બડા વેરિયંટના હતા. ચિલીમાં પણ મે અને જૂનમાં કુલ મામલાના 31 ટકા મામલા લેમ્બડા વેરિયંટના હતા.


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પહેલા જ લેમ્બડા વેરિયંટને દક્ષિણ અમેરિકામાં વેરિંયટ ઓફ કંસર્ન જાહેર કર્યો છે. આ સંસ્થાના કહેવા મુજબ લેમ્બડા વેરિયંટ વધારે આક્રમક છે અને એન્ટીબોડી પર ઝડપથી હુમલો કરે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ મુજબ બ્રિટનમાં લેમ્બડા વેરિયંટના કુલ 6 કેસ સામે આવ્યા છે.


ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


દેશમાં સતત દસમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં 10 હજારનો વધારો થતાં ફરીથી ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,733 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 930નાં મોત અને 47,240 લોકો સાજા થયા છે. ગઈકાલે 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ હતા. રિકવરી રેટ 97.18 ટકા છે.  દેશમાં સતત 54મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 6 જુલાઈ સુધી દેશભરમાં 36 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 42 કરોડ 33 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.