કેરળમાં દારૂ ન મળવાથી પરેશાન થઈને રવિવારે બે લોકોએ આત્મહત્યા કરી હતી. જે બાદ કેરળ સરકારે આવા લોકોને નશામુક્તિ કેન્દ્રમાં સારવાર આપવાનું કહ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, અચાનક દારૂ મળવાનું બંધ થઈ જતાં સામાજિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. જેના કારણે સરકાર દારૂના ઓનલાઈન વેચાણ અંગે વિચારી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ત્રિશૂર જિલ્લાના કોડંગલૂરના સુનીશ નામના વ્યક્તિએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ સુનીશ દારૂ ન મળવાથી પરેશાન થઈ ગયો હતો. જેના કારણે મોડી રાતે ઘરેથી નીકળીને નદીમાં કૂદી ગયો હતો. આ ઉપરાંત એક વ્યક્તિએ છેલ્લા બે દિવસથી દારૂ ન મળવાના કારણે આફટર શેવ લોશન પી લીધું હતું.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે.શૈલજાએ રવિવારે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસના 20 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે બાદ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 181 થઈ છે.