નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તે પહેલા જ સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. અનલોક-1માં છૂટછાટ આપ્યા બાદ સ્કૂલ-કોલેજ ક્યારથી શરૂ થશે તેવી અનેક લોકો ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે સ્કૂલો-કોલેજો ખૂલવાને લઈ મોટું નિવેદન આપ્યું હતું.
આજ તકના રિપોર્ટ પ્રમાણે, માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું, "ઓગસ્ટ 2020થી સ્કૂલ-કોલેજો ફરીથી ખોલવામાં આવશે. 15 ઓગસ્ટ, 2020 બાદ શૈક્ષણિક સંસ્થાઓ ખૂલી જશે. 15 ઓગસ્ટ સુધી તમામ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાની કોશિશ કરી રહ્યા છીએ."
આ અંગે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકને સ્કૂલ ફરી ખોલવાની યોજના અંગે પત્ર લખ્યો હતો. જેની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. પત્રમાં તેમણે લખ્યું હતું, કોરોનાના સહઅસ્તિત્વનો સ્વીકાર કરીને દેશમાં સ્કૂલોની ભૂમિકા નવેસરથી નક્કી કરવાનો સમય આવી ગયો છે.
સિસોદિયાએ લખ્યું, સ્કૂલોને સાહસિક ભૂમિકા માટે તૈયાર નહીં કરવામાં આવે તો આપણી ઐતિહાસિક ભૂલ હશે. સ્કૂલોની ભૂમિકા પાઠ્ય પુસ્તકો સુધી મર્યાદીત નહીં રહે, પરંતુ બાળકોને જવાબદાર જીવન જીવવા માટે તૈયાર કરવાની હશે.
કોરોના વાયરસ મહામારીના કારણે સ્કૂલ કોલેજો માર્ચ મહિનાથી જ બંધ છે. આ સ્થિતિમાં ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.