નવી દિલ્હીઃ દિલ્હી સરકારે 10 જૂન, 2020થી તમામ શ્રેણીની શરાબની MRP પર લગાવવામાં આવેલી 70 ટકા 'સ્પેશિયલ કોરોના ફી' પરત લેવાનો ફેંસલો કર્યો છે. દિલ્હી સરકારે 4 મેના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થવાની સાથે 150 સરકારી દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. જેના આગલા દિવસે દારૂ પર એમઆરપીના 70 ટકા સ્પેશિયલ કોરોના ફી લગાવી દીધી હતી.


સરકારના આ નવા ફેંસલા બાદ રાજધાની દિલ્હીમાં હવે દારૂ પીનારા લોકોએ વધારે રૂપિયા નહીં ખર્ચવા પડે. દિલ્હી સરકારે સ્પેશિયલ કોરોના ફીનો ફેંસલો દારૂની દુકાનો પર ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટેંસિંગના ધજાગરા ઉડતાં લીધો હતો.


4 મેના રોજ 40 દિવસ બાદ દારૂની દુકાનો ખૂલવાની સાથે જ ભારે ભીડ ઉમટી પડી હતી. કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમના ધજાગરા ઉડ્યા હતા. દારૂની દુકાનો બહાર ભીડ વધી જવાના કારણે કેટલીક દુકાનો બંધ પણ કરવી પડી હતી. એટલું જ નહીં ભીડને વિખેરવા પોલીસે હળવો લાઠી ચાર્જ પણ કર્યો હતો. જે બાદ દિલ્હી સરકારે સ્પેશિયલ કોરોના ફી લગાવી હતી.

દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 349 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દિલ્હી માટે રાહતની ખબર એ પણ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી. હાલ 15311 એક્ટિવ કેસ છે.