નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક પ્રમુખ નિષ્ણાંતે ભારતને ચેતવણી આપતા કહ્યું હતું કે, લોકડાઉન હટવાના કારણે ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી શકે છે. જોકે, ભારતમાં કોરોના વાયરસ મહામારીને લઇને સ્થિતિ હજુ વિસ્ફોટક નથી. પરંતુ દેશમાં માર્ચમાં લાગુ લોકડાઉન હટતા આ પ્રકારની સ્થિતિ બનેલી છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસાર ડબલ્યૂએચઓના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના કાર્યકારી નિર્દેશક મિશેલ રિયાને શુક્રવારે કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા બેગણી થવાનો સમય હાલમાં લગભગ ત્રણ સપ્તાહ છે.

રિયાને જેનેવામાં કહ્યું કે ભારતમાં વિવિધ હિસ્સામાં મહામારીની અસર અલગ અલગ છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે ખૂબ અંતર છે. દક્ષિણ એશિયામાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં મહામારીની સ્થિતિ વિસ્ફોટક થઇ નથી. પરંતુ એવું થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

રિયાને કહ્યું કે, જ્યારે મહામારી લોકો વચ્ચે ફેલાય છે ત્યારે કોઇ પણ સમયે પોતાનો પ્રકાપ બતાવે છે જેવું અનેક સ્થળો પર જોવા મળ્યું છે. ભારતમાં લોકડાઉનના કારણે કોરોના ફેલાવવાની ઝડપ ઓછી રહી છે પરંતુ દેશમાં ગતિવિધિઓ શરૂ થતા કેસમાં વધારો થવાનો ખતરો પેદા થયો છે.  લોકોની અવરજવર વધતા મહામારીનો પ્રકોપ વધશે. ભારતમાં મોટા સ્તર પર પલાયન શહેરોમાં ગીચ વસ્તી તથા શ્રમિકો પાસે કામ પર ગયા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી જેવા વિશેષ મુદ્દાઓ છે.

ભારત કોરોના મામલે ઇટાલીને પાછળ છોડીને દુનિયામાં છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા અનુસાર, શનિવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 9887 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 294 લોકોના મોત થયા હતા. બાદમાં દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની  સંખ્યા 2,36,657 થઇ ગઇ છે. જ્યારે મરનારાઓની કુલ સંખ્યા 6642 પર પહોંચી છે.