વડાપ્રધાન મોદીના નિર્દેશ બાદ મંત્રીઓએ આજે ઓફિસ જઇને કામ શરૂ કર્યું છે. કેન્દ્રિય મંત્રી અર્જુન મુંડા સિવાય પ્રકાશ જાવડેકર, કિરણ રિજિજૂ સહિત અનેક મંત્રી આજે ઓફિસ પહોંચ્યા હતા.
માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી આવતીકાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી.
સાથે વડાપ્રધાન મોદી લોકોની રોજગારીને લઇને પણ રાહત આપી શકે છે. વાસ્તવમાં લોકડાઉનના કારણે ખૂબ નુકસાન થઇ રહ્યું છે. જ્યારે ભારત દેશ આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અર્થવ્યવસ્થા સંભાળવી પણ ખૂબ જરૂરી છે. અર્થવ્યવસ્થાને સંભાળવવા માટે સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને છૂટ આપી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિક સામાન વેચનારી કંપનીઓ શરૂ થઇ શકે છે. હાઉસિંગ અને કંસ્ટ્રક્શન સેક્ટરને પણ છૂટ મળી શકે છે.