લોકડાઉનમાં ફરવા નીકળ્યો નક્લી IAS, પોલીસને ધમકાવતા આ રીતે ઉઘાડી પડી ગઈ પોલ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Apr 2020 02:30 PM (IST)
આરોપીની ઓળખ 29 વર્ષીય આદિત્ય ગુપ્તા તરીકે થઈ છે. જે કેશવપુરમનો રહેવાસી છે. તેના પિતા કોન્ટ્રાક્ટર છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ વધારે ફેલાતો અટકે તે માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો આજે 20મો દિવસ છે. દેશમાં પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. આ દરમિયાન પોલીસ સાથે રકઝક થતી હોવાની ઘણી ઘટના પણ સામે આવી છે. આ દરમિયાન એક આરોપી લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ રીતે વાહન હંકારી રહ્યો હતો. જ્યારે પોલીસે તેને રોક્યો ત્યારે ખોટો રુઆબ બતાવવા લાગ્યો. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ગાડીમાં દિલ્હી પોલીસનો લોગો હતો. જ્યારે કાર સવારને બેરિકેડ પર રોકવામાં આવ્યો ત્યારે ગુસ્સામાંથી બહાર આવ્યો અને પોલીસને ધમકાવવા લાગ્યો. આરોપીએ રૂઆબ છાંટતા ખુદને ગૃહ મંત્રાલયમાં સીનિયર IAS ગણાવ્યો અને પોલીસકર્મીને કહ્યું, “મારી ગાડી ચેક કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ.” તેની ધમકીથી પોલીસ સ્ટાફ ડરી ગયો જે બાદ કેશવપુરમના એસએચઓ પણ ત્યાં પહોંચ્યા. જેમણે ધમકી આપી રહેલા વ્યક્તિ પાસેથી આઈ કાર્ડ માંગ્યું તો તેણે ગૃહ મંત્રાલય લખેલી એક ફાઈલ બતાવી. આરોપી એમ પણ જણાવ્યું કે હું 2009ની બેંચનો આઈએએસ ઓફિસર છું. તેણે અનેક આઈએએફ ઓફિસરના નામ પણ જણાવ્યા પરંતુ જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની પોલ ખૂલી ગઈ. આ વ્યક્તિની ગાડીની આગળ અને પાછળ ભારત સરકાર લખેલું હતું. પોલીસે તરત મામલાને ગંભીરતાથી લઈ આરોપી સામે કેસ દાખલ કરી તેની ધરપકડ કરી અને ગાડી પણ જપ્ત કરી લીધી. આરોપીની ઓળખ 29 વર્ષીય આદિત્ય ગુપ્તા તરીકે થઈ છે. જે કેશવપુરમનો રહેવાસી છે. તેના પિતા કોન્ટ્રાક્ટર છે. પોલીસના કહેવા મુજબ લોકડાઉન દરમિયાન માત્ર સિન સપાટા માટે તે નકલી આઈએએસ બની ગયો હતો. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.