મુંબઈ: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે, અહીં 41 લોકો કોરોનાથી સંક્રમિત છે. સરકારી ઓફિસ બંધ રાખવાના અહેવાલ પર સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સરકારી કર્મચારીઓને રજા આપવામાં આવી નથી. તમામ સરકારી ઓફિસ ચાલુ રહેશે. ટ્રેન અને બસ પર કોઈ રોક લગાવવામાં આવી નથી પરંતુ લોકો જરૂરીયાત વગર મુસાફરી કરવાનું નહીં ટાળે તો બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

આ પહેલા સમાચાર હતા કે મહારાષ્ટ્રમાં તમામ સરકારી ઓફિસો આગામી સાત દિવસ સુધી બંધ રહેશે, પરંતુ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ સમાચારોને અફવા ગણાવતા સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તમામ સરકારી ઓફિસો ચાલુ રહેશે. કોઈ સરકારી કર્મચારીઓને રજા આપવામાં આવી નથી.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધી 137 લોકો કોવિડ-19થી સંક્રમિત છે. જેમાંથી 24 વિદેશી નાગરિક સામેલ છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળ સહિત દેશના અનેક રાજ્ય આ જીવલેણ કોરોના વાયરસની ચપેટમાં છે. અત્યાર સુધી આ વાયરસથી કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રમાં ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે.



મુંબઇમાં પોલીસે કલમ 144 પણ લાગુ કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર પણ એલર્ટ મૉડમાં આવી ગઇ છે, અને મહારાષ્ટ્ર અને ગોવા બોર્ડર પર ચેક પૉસ્ટ ઉભી કરી દેવામાં આવી છે. અહીં બન્ને તરફથી આવતા જતા લોકોનુ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 7158 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી આ વાયરસથી 1 લાખ 82 હજારથી વધુ લોકો સંક્રમિત છે. આ વાયરસથી રિકવર કરવા વાળા લોકોમાં 79 હજારથી વધુ લોકો છે. હજુ પણ દુનિયાભરમાં લગભગ 1 લાખથી વધુ કોરોના કેસ એક્ટિવ છે, આમાંથી 6 હજારથી વધુ લોકોની હાલત હજુ પણ ખરાબ છે.