લખનઉઃ કોરોના વાયરસ ઝુંપડપટ્ટીઓમાં નહીં પરંતુ પોશ વિસ્તારમાં જ રહેતા લોકોને વધારે લાગી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઝુંપડપટ્ટીઓમાં કરાવાવમાં આવેલ કોરોના ટેસ્ટના આંકડાથી તો આવું જ લાગી રહ્યું છે. છેલ્લા ઘણાં દિવસોમાં લખનઉ ઝુંપડપટ્ટીઓમાં 11 હજારથી વધારે સેમ્પલ લેવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી એક પણ કોરોના પોઝિટિવ આવ્યો ન હતો.


ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોની ઇમ્યુનિટી સારી

સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, લખનઉની ઝુંપડપટ્ટીમાંથી કુલ 11,622 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ 19થી 21 નવેમ્બરની વચ્ચે લેવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કેઆ સેમ્પલમાંથી એક પણ કોરોના પોઝિટિવ નથી આવ્યા. સ્વાસ્થ્ય વિભાગની ટીમે અહીં 6,850 એન્ટીજન અને 4,772 આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું માનવું છે કે, અહીં રહેતા લોકોની ઇમ્યુનિટી પોશ વિસ્તારમાં રહેતા લોકો કરતાં મજબૂત છે. આ જ કારણ છે કે કોરોના અહીં અસરદાર સાબિત નથી થઈ રહ્યો.

24 કલાકમાં 29 લોકોના મોત

યૂપીમાં છેલ્લા 24 કલાકમાં 2318 નવા કોરોનાના કેસ નોંધાયા છે. સાથે જ આ દરમિયાન 29 દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ બુલેટિન અનુસાર વિતેલા 24 કલાક દરમિયાન કોવિડ 19 સંક્રમિત 29 લોકોના મોતની સાથે રાજ્યમાં આ વાયરસથી મરનારા લોકોની સંખ્યા વધીને 7644 થઈ ગઈ છે.