નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 511 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 10 લોકોના મોત થયા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર અને કેરળ છે.

કર્ફ્યુની કેમ છે જરૂર

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે દેશમાં અનેક જગ્યે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં લોકોની બિંદાસપણે થઈ રહેલી અવરજવરના કારણે લોકડાઉનના બદલે કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે.

મોદી કરી શકે છે રાત્રે જાહેરાત

મધ્યપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, ચંદીગઢ અને પુડ્ડુચેરીમાં કર્ફ્યુ લગાવવામાં આવી છે. દિલ્હીમાં પણ કર્ફ્યુ જેવી સ્થિતિ છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી મોદી રાત્રે 8 વાગ્યે ફરી વખત દેશને સંબોધન કરવાના છે. જેમાં તેઓ કર્ફ્યુની જાહેરાત કરી શકે છે.

મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી આ અંગેની કેટલીક મહત્વપૂર્ણ જાણકારીની દેશવાસીઓ સાથે ચર્ચા કરીશ. આજે 24 માર્ચ, રાત્રે 8 કલાકે દેશને સંબોધન કરીશ.

પ્રધાનમંત્રી મોદીએ ગત ગુરુવારે પણ કોરોના વાયરસને લઈ દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે રવિવાર, તા. 22 માર્ચ, 2020ના રોજ સવારે 7 થી રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.