નવી દિલ્હી: ભારતમાં કોરોનાની અસર હવે ધીમે ધીમે વધી રહી છે. દિલ્હીમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. મંત્રાલયના વિશેષ સચિવ સંજીવા કુમારે કહ્યું કે દિલ્હીના ઉત્તમ નગરમાં એક શખ્સમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. અત્યાર સુધીમાં દેશમાં 31 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ થાઈલેન્ડ અને મલેશિયાની મુસાફરી કરી હતી.


આ પહેલા ગાઝિયાબાદમાં એક કેસની પુષ્ટી કરવામાં આવી હતી. અહીં ઇરાનમાથી ભારત આવેલા એક વેપારીને કોરોના પૉઝિટીવ મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે હાલ તેની તબિયત સ્થિર છે.

સતત વધી રહેલા વાયરસના પ્રકોપને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાત્કિલક પગલા લેવાનુ શરૂ કરી દીધુ છે. એરપોર્ટ પર 6550 ફ્લાઇટોમાંથી કુલ 6,49,452 યાત્રીઓની તપાસ કરવામાં આવી છે.

દિલ્હીમાં 18, આગરામાં 6, ગાઝિયાબાદમાં 1, ગુરુગ્રામમાં 1, જયપુરમાં 1, તેલંગાણામાં 1 અને કેરાલામાં 3 કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જોકે, કેરાલાના ત્રણેય દર્દીઓ ઠીક થઇ ગયા છે.