નવી દિલ્હી: સમગ્ર વિશ્વભરના દેશો હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યાં છે. કોરોના સંકટના કારણે ભારતમાં પણ લોકાડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોના સંકટને જોતાં ભારત સરકારે જે રીતે ઝડપથી નિર્ણયો લીધા છે તેની પ્રશંસા વિશ્વ આરોગ્ય સંગઠન અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ જેવા સંગઠનો પણ કરી ચૂક્યા છે. ત્યારે સ્વિટઝરલેન્ડે પણ ભારતની અનોખી રીતે પ્રશંસા કરી છે. સ્વિટઝરલેન્ડના આલ્પ્સના મેટરહોર્ન પર્વત પર ભારતના તિરંગાને રોશનીથી પ્રદર્શિત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારી સામે લડવા અને લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરવા માટે વિભિન્ન મંત્રાલયોના પ્રયત્નોની પ્રશંસા કરતા શનિવારે કહ્યું કે માનવતા ચોક્કસપણે કોરોના વાયરસની મહામારી સામે જીતશે.


સ્વિટઝરલેન્ડમાં ભારતીય દૂતાવાસના ટ્વીટને રિટ્વીટ કરતા મોદીએ લખ્યું કે, “દુનિયા કોવિડ-19 વિરુદ્ધ સાથે મળીને લડાઈ લડી રહી છે. માનવતા ચોક્કસપણે આ મહામારીથી ઉભરી આવશે.”



સ્વિટઝરલેન્ડમાં ભારતીય દૂતાવાસના ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, “હજાર મીટરથી મોટા આકારના ભારતીય તિરંગાને સ્વિટઝરલેન્ડના જરમેન્ટમાં મેટરહાર્ન પર્વત પર પ્રદર્શિત કરવામાં આવ્યો. જે કોવિડ-19 વિરુધ્ધ લડાઈમાં તમામ ભારતીય સાથે એકજૂટતા માટે છે. આ ભાવના માટે આભાર જરમેન્ટ પર્યટન.”