નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં વડાપ્રધાન મોદીની અપીલ પર કોર્પોરેટ જગત કરોડો રૂપિયા દાનમાં આપી રહ્યુ છે. પીએમ કેયર્સ ફંડમાં ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)એ 105 કરોડ રૂપિયા આપ્યા છે. તે સિવાય જાણીતા ઉદ્યોગપતિ નારાયણમૂર્તિએ પણ કોરોના સામેની લડાઇમાં 10 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. જોકે, તેઓ આ રકમ પીએમ કેયર્સ ફંડમાં ડોનેટ કરશે નહીં.



કોરોના સંબંધિત રાહતકાર્યોમાં મદદ માટે એનઆર નારાયણમૂર્તિ અને તેમનો પરિવાર પોતાના પર્સનલ ફંડમાંથી અક્ષય પાત્ર ફાઉન્ડેશનને 10 કરોડ રૂપિયા આપશે. આ ફંડ પ્રવાસી મજૂરો અને રોજગારી ગુમાવી ચૂકેલા દિહાડી મજૂરોને જમવાનું અને જરૂરી ચીજવસ્તુઓ આપવા પર ખર્ચ કરાશે.

એલઆઇસીએ કોરોના વાયરસનની મહામારી સામે લડવા પીએમ કેયર્સ ફંડમાં 105 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. એલઆઇસીના ચેરમેન એમ.આર, કુમારે કહ્યું કે, ભારત આ મહામારીના કારણે ગંભીર પડકારનો સામનો કરી રહ્યું છે. નોંધનીય છે કે એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને તેની સંપત્તિ લગભગ 31 લાખ કરોડ રૂપિયા છે.