કોરોના વાયરસઃ અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમનીમાં વિઝિટર્સને નહી મળે પ્રવેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Mar 2020 07:53 PM (IST)
પંજાબના અટારી સ્થિત ભારત-પાકિસ્તાન બોર્ડર પર દરરોજ થતી આ પ્રખ્યાત સમારોહનું આયોજન પર શનિવારે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હીઃ દુનિયાભરના અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. જેને જોતા અટારી-વાઘા બોર્ડર પર થતી બીટિંગ ધ રીટ્રીટ સેરેમની પર પ્રતિબંધ લગાવી દીધો છે. પંજાબના અટારી સ્થિત ભારત-પાકિસ્તાન બોર્ડર પર દરરોજ થતી આ પ્રખ્યાત સમારોહનું આયોજન પર શનિવારે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. નોંધનીય છે કે અટારી વાઘા બોર્ડર પર થતી બીટિંગ ધ રીટ્રીટ સેરેમની દરમિયાન ભારત તરફ બીએસએફ અને પાકિસ્તાન તરફથી રેન્જર્સ એકબીજા સામે આવીને પોતાના યુદ્ધ કૌશલનું પ્રદર્શન કરે છે અને હાથ મિલાવે છે. તે સિવાય બંન્ને દેશ સરહદ પર ધ્વજારોહણ કરે છે અને ધ્વજ ઉતારે છે. જોકે, સરકારના દિશા નિર્દેશો બાદ શનિવારે આ સેરેમની યોજાઇ નહોતી. અહી દરરોજ હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. અમૃતસરના ડેપ્યુટી કમિશનર શિવદુલાર સિંહ ઢિલ્લોને કહ્યું કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને અટારી-વાઘા બોર્ડર પર થતા સાર્વજનિક સમારોહ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરરોજ આ સમારોહમાં લગભગ 20-25 હજાર લોકો ભાગ લે છે.