નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે માસ્કને લઈ એડવાઇઝરી બહાર પાડી છે. જેમાં લોકો ઘરમાં બનાવેલા માસ્ક પણ પહેરી શકે છે. લોકડાઉન વચ્ચે લોકો જીવન જરૂરી વસ્તુ ખરીદવા બહાર નીકળી રહ્યા છે. સ્થિતિમાં માસ્ક પહેરવાથી લોકો સંક્રમણથી બચી શકે છે.
માસ્કની વધતી માંગ વચ્ચે ચેન્નઈની અન્નામલાઈ યુનિવર્સિટીના સંશોધનકર્તાએ ધોઈને અનેક વખત ઉપયોગમાં લઈ શકાય તેવું માસ્ક તૈયાર કર્યુ છે. આ માસ્કરને પોલિસ્ટર ફેબ્રિકમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ માસ્ક બજારમાં ઉપલબ્ધ બનશે.
અન્નામલાઈ યુનિવર્સિટીની રિસર્ચ ટીમને લીડ કરી રહેલા એસ સુબ્રમણ્યમે કહ્યું કે, આ ફેસ માસ્કને 20 વખત ધોઈ શકાશે. જેની કિંમત માત્ર 30 રૂપિયા હશે. અનેક પ્રકારના મટિરીયલની તપાસ કર્યા બાદ પોલિસ્ટર ફેબ્રિકથી તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ માસ્કથી સરળતાથી શ્વાસ લઈ શકાય છે અને એકદમ આસાનીથી ધોઈ શકાય છે.
આ માસ્કરને હાલ ટ્રાયલ માટે સ્વાસ્થ્ય વિભાગને મોકલવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગની મંજૂરી મળ્યા બાદ તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે.