નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. પરંતુ હજુ સુધી તેને રોકવા માટે ન તો કોઈ રસી શોધાઈ છે કે ન તો દવા ઉપલબ્ધ છે. જોકે, સમયાંતરે કોરોનાને લઈ અનેક વાતો સામે આવતી રહે છે, જેનાથી લોકો હેરાન પણ રહી જાય છે.


કોરોના વાયરસ સામે લડવા દેશના તમામ રાજ્યોએ વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જે સંક્રમિતોની સારવાર અને તેમાં લાગતા સમયની સાથે અન્ય ચીજો પર ધ્યાન રાખે છે. આ ટાસ્ક ફોર્સના એક સભ્યના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ 14 દિવસ સુધી નહીં પરંતુ તેનાથી વધારે દિવસ સુધી શરીરમાં રહી શકે છે.

મુંબઈ મિરરના એક અહેવાલ મુજબ, ટાસ્ક ફોર્સના સભ્યના જણાવ્યા પ્રમાણે વાયરસથી સંક્રમિત કેટલાક દર્દીઓ એવા પણ છે જેમના શરીરમાં 14 દિવસ કરતા વધારે સમય સુધી કોરોના વાયરસના લક્ષણ યથાવત રહ્યા હતા. પહેલા એવું માનવામાં આવતું હતું કે, કોરોના વાયરસથી સંક્રમિત દર્દી 14 દિવસમાં પૂરી રીતે ઠીક થઈ જાય છે પરંતુ એવું નથી. તપાસ દરમિયાન ખબર પડી કે, કોરોના વાયરસ તેની સાઇકલને પૂરી કરવામાં 28 દિવસનો સમય લગાવી શકે છે.

ટાસ્ક ફોર્સના સભ્યના જણાવ્યા પ્રમાણે, સંક્રમિત દર્દીમાં 14 દિવસ બાદ સાઇટોકીન સ્ટોર્મ પણ જોવા મળ્યું. નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ પ્રમાણે આ ગંભીર પ્રતિક્રિયા છે. જેમાં શરીર વધારે માત્રામાં સાઈટોકિન્સને લોહીમાં છોડે છે. સાઇટોકિન્સ સામાન્ય રોગપ્રતિકારક પ્રતિક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ શરીરમાં એક જ વારમાં વધારે પ્રમાણમાં છોડાવાથી હાનિકારક સાબિત થઈ શકે છે.

કોવિડ ટાસ્ક ફોર્સમાં સામેલ થયેલા ડોક્ટરોએ કહ્યું, નવી માહિતી સામે આવ્યા બાદ તેમના સાથીઓ પણ સારવારની નવી રીત સાથે સહમત થયા છે. સભ્યના કહેવા પ્રમાણે, સ્વેબ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ રીમડેસિવીર આપવી જોઈએ અને તેને 10 દિવસ સુધી આપવી જોઈએ. પહેલા તે પાંચ દિવસ સુધી આપવામાં આવતી હતી.