તિરુવનંતપુરમઃ કેરળના તિરુવનંતપુરમમાં કોરોના વાયરસના વધારે મામલા સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં તિરુવનંતપુરમમાં ટ્રિપલ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, તિરુવનંતપુરમમાં આજે સવારે 6 વાગ્યથી ટ્રિપલ લૉકડાઉન લાગુ થઈ ગયું છે, જે એક સપ્તાહ સુધી ચાલુ રહેશે.


ટાઇમ્સ નાઉના અહેવાલ પ્રમાણે ટ્રિપલ લૉકડાઉન લાગુ કરવાનો હેતુ કોરોના વાયરસના સંક્રમણની ચેન તોડવાનો છે. ટ્રિપલ લૉકડાઉનમાં જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ હિલચાલ અને બિઝનેસ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. શહેરમાં પ્રવેશવાના તથા બહાર નીકળવાના મુખ્ય માર્ગ સિવાય તમામ રોડ-રસ્તા બંધ કરી દેવામાં આવે છે. લોકોની અવરજવરને રોકવા અને કાયદાનો કડક અમલ કરાવવા પોલીસકર્મી ચોવીસ કલાક તૈનાત રહે છે. એટીએમ, પેટ્રોલ પમ્પ, દવાની દુકાન, કરિયાણા અને શાકભાજી વિક્રેતાઓ, હોસ્પિટલો અને રસોઈ ગેસ એજન્સીઓ બધાને જરૂરી સેવાઓ માનવામાં આવી છે અને તેમને કેટલીક નિશ્ચિત મર્યાદાની અંદર સંચાલન કરવાની છૂટ આપવામાં આવશે.

આ સિવાય યુટિલિટીઝ અને સેનિટેશન સેવાઓ સાથે સંકળાયેલા કામદારો, જીવનજરૂરી વસ્તુઓનું વહન કરતાં ટ્રકોને શહેરની આસપાસ ફરવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં તેમણે સહી કરેલા ડેકલેરેશન ફોર્મ્સ સાથે રાખવા પડશે અને તેમના કામના પ્રકારનું વર્ણન કરવું પડશે. નિયમનો ભંગ કરનારને દંડ કરવામાં આવશે. જ્યારે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ કાર્યરત નહીં રહે. રેલવે સ્ટેશન, એરપોર્ટથી મુસાફરી કરનારા વ્યક્તિઓ માટે ખાસ પરિવહનનું આયોજન કરવામાં આવશે.

કેરળના તિરુવનંતપુરમમાં કોરોનાવાયરસના 284 મામલા સામે આવી ચુક્યા છે, જેમાંથી 107 એક્ટિવ કેસ છે અને 172 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, કેરળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,429 પર પહોંચી છે. 25 લોકોના મોત થયા છે અને હાલ 2230 એક્ટિવ કેસ છે. 3,174 લોકો સાજા થઈ ગયા છે.

કેરળના પર્યટન મંત્રી કે, સુરેદ્રને કહ્યું હતું કે, કોવિડ-19ના વધતા મામલા સાથે તિરુવનંતપુરમ જિલ્લો સક્રિય જ્વાળામુખી પર બેઠો છે અને સંક્રમણનો સામૂહિક પ્રસાર નહીં થાય તે વાતની કોઈ ગેરંટી નથી.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 425 લોકોના મોત થયા છે અને 24,248 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,97,143 પર પહોંચી છે અને 19,693 લોકોના મોત થયા છે. 4,24,433 લોકો સાજા થઈ ગયા છે અને 2,53,287 એક્ટિવ કેસ છે.