નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 15 લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 33 હજારને વટાવી ગઈ છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 654 લોકોના મોત થયા છે અને 47,704 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14,83,157 પર પહોંચી છે અને 33,425 લોકોના મોત થયા છે. 9,52,744 લોકો સાજા થઈ ગયા છે અને 4,96,988 એક્ટિવ કેસ છે.



કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે. એક દિવસમાં સૌથી વધારે મામલા અમેરિકા બાદ ભારતમાં નોંધાઈ રહ્યા છે. અમેરિકા અને બ્રાઝીલમાં 24 કલાકમાં ક્રમશઃ 445 અને 556 લોકોના મોત થયા છે. જ્યારે ભારતમાં 708 લોકોના મોત થયા છે.

ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં   1,47,896 એક્ટિવ કેસ છે. જે પછી કર્ણાટકમાં 61,827 એક્ટિવ કેસ, તમિલનાડુમાં 54,896 એકટિવ કેસ, આંધ્રપ્રદેશમાં 51,701 એક્ટિવ કેસ છે.