નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસનો સમગ્ર દેશમાં કહેર વધી રહ્યો છે પરંતુ દેશના ત્રણ રાજ્યોમાં તેનો સૌથી વધારે પ્રભાવ છે. કોરોનાના સૌથી વધારે મામલા આ રાજ્યોમાંથી આવી રહ્યા છે.  આ ઉપરાંત સૌથી ચિંતાજનક વાત એ છે કે કોરોનાથી દેશભરમાં થયેલા મોતમાં અડધાથી વધારે મોત પણ આ રાજ્યોમાં થયા છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા બે હજારને પાર કરી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 2334 લોકો કોવિડ-19થી સંક્રમિત છે અને 160 લોકોના મોત થયા છે. જેમાંથી 352 મામલા છેલ્લા 24 કલાકમાં જ નોંધાયા છે. આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીંયા 150 નવા કેસ આવ્યા છે. જોકે 217 લોકો રાજ્યમાં કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થઈ ચુક્યા છે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 604 થઈ છે. આ ઉપરાંત જીવલેણ વાયરસથી 43 લોકોના મોત થયા છે. 44 લોકો કોરોના સામે જંગ જીત્યા છે અને તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ઈન્દોર અને ભોપાલમાં આ વાયરસનો સૌથી વધારે પ્રભાવ છે.

દિલ્હી

દિલ્હી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું છે કે, સોમવારે આવેલા 356 કેસની સાથે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1510 થઈ ગઈ છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 28 લોકોના મોત થયા છે. જ્યારે 31 લોકો ઠીક થઈ ગયા છે.

દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 10,363 પર પહોંચી છે. જ્યારે 339 લોકોના મોત થયા છે અને 1036 લોકો સાજા થઈ ગયા છે.