સરકાર તરફથી લોકડાઉનની જાહેરાતનો હેતુ કોરોના વાયરસને સામુહિક રીતે ફેલાતો અટકાવવાનો હતો. ગઈકાલે પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આ લાંબી લડાઈ છે, ન થાકવાનું છે, ન હારવાનું છે, લાંબી લડાઈ બાદ જીતવાનું છે. વિજયી થઈને નીકળવાનું છે. આજે દેશનો એક લક્ષ્ય છે, મિશન એક છે અને સંકલ્પ એક છે.
દેશના 284 જિલ્લા કોરોનાની ઝપેટમાં
દેશના 718માંથી 284 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. એક ડઝન શહેરોમાં દર્દીઓની સંખ્યા 50ને પાર કરી ગઈ છે. જ્યારે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ઈન્દોર, કાસરગૌડમાં 100થી વધારે લોકો સંક્રમિત છે. ચેન્નઈ, પુણે, નોયડા, અમદાવાદ, જયપુરની હાલત ચિંતાજનક છે. કોરોનાના હોટ સ્પોટમાં મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 45 લોકોના મોત થઈ ચુક્યા છે. ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અનેક રાજ્યો લોકડાઉન વધારવાના સમર્થનમાં છે.
12 કે 13 એપ્રિલે સમીક્ષા બેઠક કરી શકે છે સરકાર
એબીપી ન્યૂઝના સૂત્રોને મળેલી માહિતી મુજબ, લોકડાઉન પર કોઈ પણ ફેંસલો 14 એપ્રિલના એક દિવસ પહેલા થઈ શકે છે. 12 કે 13 એપ્રિલે સરકાર સમીક્ષા બેઠક કરી શકે છે અને તેઓ તેમાંથી કોઈ પણ દિવસે દેશને સંબોધિત કરી શકે છે.