હાલ રાજસ્થાનમાં ગેહલોત સરકારનું પતન નક્કી જ છે. ત્યારે આજે સચિન પાયલટ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કરે તેવી શક્યતા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.


સચિન પાયલટ જૂથનો દાવો છે કે, રાજસ્થાનની ગેહલોત સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, સચિન પાયલટ સહિત અંદાજે 27 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. રાજકીય સંકટ વચ્ચે સચિન પાયલટે ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે બંધ બારણે મીટિંગ કરી હોય તેવું પણ અન્ય મીડિયામાં ચાલી રહ્યું છે.

આ બંને નેતા દિલ્હીમાં મળ્યા હતા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવાસ સ્થાને આ બેઠક અંદાજે 40 મીનિટ સુધી ચાલી હતી. સંભાવના દર્શાવાઇ છે કે, સચિન પાયલટ સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં સામેલ થાય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળ વધુ ઘેરાયા છે ત્યારે દિવસ દરમિયાન જયપુરમાં કોંગ્રેસમાં સતત બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના મામલે એસઓજી તરફથી પૂછપરછ માટે બોલાવાયા બાદ નારાજ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે. ત્યારે જયપુરમાં અશોક ગેહલોતે ધારાસભ્યો અને પ્રધાનો સાથે બેઠક યોજી હતી.