ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સરકારે સોમવારે મંત્રીઓને ખાતાની ફાળવણી કરી હતી. નરોત્તમ મિશ્રાને રાજ્યના ગૃહમંત્રી, સંસદીય મામલાના મંત્રીની સાથે કાયદા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે યશોધરા રાજે સિંધિયાને રમત અને યુવા કલ્યાણ મંત્રી તથા ટેકનિકલ શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું છે.


કેબિનેટ વિસ્તરણના 11 દિવસ બાદ શિવરાજ કેબિનેટમાં સામેલ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા મંત્રીઓને કોંગ્રેસ સરકારમાં તેમની પાસે જે વિભાગ હતા તે ફરીથી સોંપવામાં આવ્યા છે.



મંત્રીઓને ખાતાની ફાળવણી પહેલા શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે કહ્યું હતું કે, તે પોતાના મંત્રીઓને ખાતાની ફાળવણી રવિવારે કરશે. મધ્ય પ્રદેશમાં બે જુલાઈએ શિવરાજ સિંહે કેબિનેટનું વિસ્તરણ કરીને 28 મંત્રીઓને સામેલ કર્યા હતા, પરંતુ એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ખાતાની ફાળવણી કરી નહોતી.

આ નવા મંત્રીઓમાં 12 જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક પણ સામેલ છે. જેમણે માર્ચમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં કમલનાથ સરકાર ઉથલી ગઈ  હતી.