નવી દિલ્હીઃ દિલ્હીમાં સેનાનો વધુ એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ડોક્ટરના સંપર્કમાં આવેલા તમામ લોકોને પ્રોટોકોલ અંતર્ગત ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ડોક્ટર જે બ્લોકમાં રહે છે તેને સેનેટાઈજ કરવામાં આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, ડોક્ટરની ઓફિસ અને ઘર લોકડાઉન કરી દેવામાં આવ્યા છે.


લેફ્ટિનેંટ કર્નલ રેંકના આ ડોક્ટર વિદેશ ગયા નથી પરંતુ આર્મીના માનેસર અને નરેલાના ક્વોરન્ટાઈન સેન્ટરમાં ગયા હતા. ડોક્ટરની સારવાર સેનાની બેસ હોસ્પિટલમાં થઈ રહી છે. આ પહેલા 29 માર્ચે સેનાના કોલકાતામાં તૈનાત એક ડોક્ટર અને દેહરાદૂનમાં ફરજ બજાવતાં જેસીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

વાયરસનો ચેપ સેનાને ન લાગ તે માટે આર્મીએ એક ગાઇડલાઇન્સ બહાર પાડી છે. કોરોના સામેના જંગમાં તંત્રની સાથે ખભે ખભો મેળવીને કામ કરવા સેના પણ તૈયાર છે. સેના પણ હાલ 6 ક્વોરન્ટાઈન ફેસિલિટી સેન્ટર ચલાવી રહી છે. જેમાં મુંબઈ, જેસલમેર, જોધપુર, હિંડન, માનેસર અને ચેન્નઈ સામેલ છે.

કોરોના વાયરસ સામે લડવા સેનાના 8,500 ડોક્ટર અને સપોર્ટ સ્ટાફ તંત્રની મદદ માટે તૈયાર છે. ઉપરાંત સેનાની હોસ્પિટલમાં 9000થી વધારે બેડ કોરોના સંક્રમિતોની સારવાર માટે ઉપલબ્ધ છે.