સમગ્ર દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર પરપ્રાંતિય મજૂરોની ભારે ભીડ જોવા મળતાં પોલીસે વિનય દુબે નામની વ્યક્તિની ધરપકડ કરી છે. વિનય દુબેની નવી મુંબઈ પોલીસે અટકાયત કરી હતી અને મુંબઈ પોલીસને હવાલે કર્યો હતો. લોકડાઉન વચ્ચે વિનય દુબે પર ભીડને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો છે.

વિનય દુબે ‘ચાલો ઘર તરફ’ અભિયાન ચલાવતો હતો. ફેસબુક પર શેર કરેલી પોતાની પોસ્ટમાં તેણે કહ્યું હતું કે, ટીમ બાંદ્રામાં છે. આ કેસમાં પોલીસે એક હજાર લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. દુબે સામે આઈપીસીની કલમ 117, 153 એ, 188, 269, 270, 505 (2) અને રોગચાળા અધિનિયમની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર પરપ્રાંતિય મજૂરોની ભારે ભીડ જોવા મળી હતી. આ બધાં કામદારો ઘરે જવા સ્ટેશન પર પહોંચ્યા હતા. કામદારોને આશા હતી કે, લોકડાઉન સમાપ્ત થઈ જશે. તેમને દૂર કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જોકે, પરપ્રાંતિય મજૂરોને હવે ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતાં. લોકડાઉનને દેશભરમાં 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના સામે ચાલી રહેલી લડતની વચ્ચે આ બરાબર નથી. આ સંદર્ભમાં તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, સરકાર આ કામદારોની ગોઠવણ કરશે. તેમને ચિંતા કરવાની જરૂર નથી.