નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને કોરોના થતાં ભાજપ અને કેન્દ્ર સરકારમાં ખળભળાટ મચી ગયો છે. અમિત શાહ છેલ્લા કેટલાક દિવસથી અત્યંત સક્રિય હતા અને ગયા બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં પણ હાજરી આપી હતી. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠક નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મોદી સરકારના તમામ વરિષ્ઠ પ્રધાનો પણ આ બેઠકમાં હાજર હતા તેથી મોદી સહિતના તમામ પ્રધાનોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે. સાવધાની ખાતર તમામ પ્રધાનોનો કોરોના ટેસ્ટ કરાવાય તેવી શક્યતા છે.



નરેન્દ્ર મોદીએ આ નીતિની જાહેરાત કરતી ટ્વિટ કરી તેમાં તસવીર પણ મૂકી હતી. આ તસવીરમાં અમિત શાહ મોદીથી છ ફૂટના અંતરે બેઠેલા દેખાય છે. અમિત શાહની પાસે નિર્મલા સીતારામન બેઠેલાં છે. આ સિવાય રાજનાથસિંહ અને નીતિન ગડકરી પણ આ તસવીરમાં દેખાય છે.

અમિત શાહને દિલ્હીમાં કોરોનાને નાથવા માટેની જવાબદારી સોંપવામાં આવી પછી તેમણે સતત બેઠકો કરી હતી. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી શાહને આ બેઠકો દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પણ શક્યતા છે. અમિત શાહ છેલ્લા એક મહિના દરમિયાન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં પણ બહુ ફર્યા છે તેના કારણે પણ ચેપ લાગ્યો હોવાની શક્યતા નકારાતી નથી.