કાનપુરમાં જમાતીઓ છુપાયા હોવાની સાચી માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એક જમાતી પકડાવનારને કાનપુર પોલીસ 10 હજાર રૂપિયા ઈનામ આપશે. આઈજી મોહિત અગ્રવાલે આ નિર્ણય લીધો હતો.
રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. જેમાં કાનપુરની સ્થિતિને ગંભીર ગણાવીને ત્યાં કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવવાનો આદેશ આપ્યો હતો.
તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે. તબલીગી-એ-જમાત વર્ષો જૂની મુસ્લિમ સંસ્થા છે. જેનું હેડ ક્વાર્ટર દિલ્હીના નિઝામુદ્દીનમાં છે. અહીંયા દેશ-વિદેશમાં લોકો વર્ષભર આવતા રહે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે ઉત્તરપ્રદેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા 1084 છે. જેમાંથી 108 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 17 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 17265 પર પહોંચી છે. 543 લોકોના મોત થયા છે અને 2547 લોકો સાજા થઈ ગયા છે.