દેશમાં વધતા કોરોનાના સંક્રમણની ચર્ચા માટે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક યોજાશે. સૂત્રો મુજબ બેઠકમાં કોરોનાને રોકવા માટે તૈયાર કરવામાં આવી રહેલી વેક્સીનની માહિતી આપવામાં આવશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેશે.


આ સિવાય બેઠકમા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય ઉપસ્થિત રહેશે. બીજેડીના પીનાકી મિશ્રા, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, એનસીપીથી શરદ પવાર, ટીઆરએસથી નાગેશ્વર રાવ, વાયએસઆર કૉંગ્રેસના મિધુન રેડ્ડી, ડીએમકેના ટીઆર બાલુ અને શિવસેનાથી વિનાયક રાઉત બેઠકમાં ઉપસ્થિત રહેશે.

આ સર્વપક્ષીય બેઠકમાં આજે પીએમ મોદી દેશના નેતાઓ સાથે કોરોના વેક્સીન કે પછી લૉકડાઉન લગાવવામાં આવે કે નહિ, તેના પર ચર્ચા કરશે. જોકે મોદી સરકાર પહેલા જ પણ સ્પષ્ટતા કરી ચૂકી છે કે દેશમાંલોકડાઉન નહી લદાય. મોદી સરકારે રાજ્યોને પણ લોકડાઉન લાદતા પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજિયાત કરી છે એ જોતાં લોકડાઉન લદાવાની કોઈ શક્યાત દેખાતી નથી પણ સોશિયલ મીડિયા પર આ અહેવાલો જોરશોરથી ફરી રહ્યા છે.

અસલમાં દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. બેઠકમાં સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં કોરોના વેક્સીન વિતરણની યોજનાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. રિપોર્ટ મુજબ બેઠક શુક્રવારે સવારે 10.30 વાગે થશે.

કેન્દ્ર સરકાર સાંસદોને મહામારી સામે લડવા માટે ઉઠાવવામાં આવેલ વિવિધ પગલાં વિશે જણાવશે અને વેક્સીન અપડેટ અને વિતરણ વિશે માહિતી આપશે. પીએમ મોદી દ્વારા મહામારીના પ્રકોપ બાદથી કોવિડ 19 સ્થિતિ પર ચર્ચા માટે બોલાવવામાં આવેલી આ બીજી સર્વપક્ષીય બેઠક હશે. આ પહેલા લૉકડાઉન દરમિયાન 20 એપ્રિલે પહેલી બેઠક આયોજિત કરવામાં આવી હતી.